LGBT x CHANDIGARH KARE AASHIQUI(review)

 

વિશિષ્ટ વિષય પર ફિલ્મ બનાવા માટે જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાનાની ચંદીગઢ કરે આશિકીફિલ્મ કમાલની એક અલગ પટકથા છે. રોમાન્સ અને કોમેડી શ્રેણીની આ ફિલ્મ મધ્યાંતર પહેલા અસામાન્ય રૂપ ધારણ કરી લે છે. ફિલ્મ ઉત્તર ભારતના લોકોની જીવનશૈલીની પશ્ચાદભૂમિ ધરાવે છે. દિલ્હી, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં કેવા મનુષ્યો રહેતા હોય શકે છે, તેની જાંખી આ ફિલ્મમાં દેખાઈ આવે છે.

 

એક જ જિમમાં કામ કરતાં મનુ(આયુષ્માન ખુરાના) અને માનવી(વાણી કપૂર) એકબીજાને પ્રેમ કરવા લાગે છે. આગળ જતાં પોતાના જાતીય ભૂતકાળ વિષે ખ્યાલ આવતા બંને વચ્ચે મતભેદ ઊભા થાય છે. આજે પણ આપણો સમાજ સમલૈંગિક(gay-lesbian), ટ્રાન્સજેન્ડર અને bisexual જેવી જાતીય શ્રેણીને મનોરોગ, એક પ્રકારનું ટબુ માને છે. આપણાં ત્યાં ઘણી જગ્યાએ તો એવું છે કે જો કોઈ માણસ લાગણીસભર(sentimental) બને, અન્ય પ્રત્યે ખૂલીને સ્નેહ જાહેર કરે તો પણ લોકો તેને ગે અથવા મીઠો કહી દેતા હોય છે.

 

માટે જ આપણાં દેશમાં લોકો નિરાશા(depression) અને વ્યગ્રતા(anxiety)માં વધારે ઘૂમતા હોય છે. કોઈ શારીરિક હમદર્દી જ નથી દાખવી શકતું. જ્યાં પોતાની પ્રેમિકા અથવા પત્નીને જાહેરમાં આલિંગન કે ચુંબન નથી કરી શકાતું. ત્યાં પરસ્પર સમલૈંગિક માણસને સહારો કે સાંત્વના માટે ગળે લગાવું છેટે છે. બાકી, ખરેખર આલિંગનમાં બહુ તાકાત હોય છે. કોઈના શરીરમાં સમાઈ જવાથી ફક્ત શારીરિક નહીં પણ માનસિક રીતે પણ હળવાસ અનુભવાય છે. એક આલિંગનથી જ મગજમાં નિરાશા-વ્યગ્રતાનો દર ઓછો થવા લાગે છે. તમે કેવી રીતે હાથ મિલાવો છો એ પરથી પણ ઘણું બધુ કહી શકાય છે ગૂગલ કરી જોજો. તમારા હાથ મિલાવાની સ્ટાઈલ સાથે Business etiquettes જોડાયેલા છે. આપણે આ કલ્ચર, આ પ્રણાલીની જરૂર છે. કે સૌ ખૂલીને એકબીજાને આલિંગન આપી શકે. ત્યાં જાતિ કે ઉંમરની બાંધછોડ ન હોવી જોઈએ કે ન કોઈ સામાજિક કે ધાર્મિક ધારાધોરણોના પૂર્વગ્રહ.

 

હું મારા મિત્રોને મળું ત્યારે અચૂક તેમને ગળે લાગુ અથવા મજબૂતીથી હાથ મિલાવું. એ મને જરૂરી લાગે, કારણ રોજ અમે મળતા નથી હોતા અને વ્યસ્ત કાર્યક્રમના કારણે પણ જલ્દી મળવાનું થતું નથી હોતું પણ માહિનામાં બે થી ત્રણ વાર મળવાનું થાય જ. અને એ પણ ત્યારે જ્યારે કઈક કામ આવી પડ્યું હોય અથવા તો ક્યાંક અચાનક મળી ગયા હોઈએ. હું એવું દર્શાવવા જ નથી માંગતો હોતો કે એમને અચાનક મળીને કે કામથી મળીને મને વિશેષ આનંદ નથી થયો. ને દેખાડા પૂરતું નહીં, મિત્રોને મળીને સારું લાગે તો હું એમની કદર કરું. જ્યારે ઉત્સાહ સાથે ગળે મળું તો મિત્રને પણ લાગે કે હા બહુ દિવસે ભાઈબંધ ભેગો થયો છે. બહુ દિવસે મળીએ એટલે પહેલા તો જે ફોરમાલિટીમાં હાય-હેલો કરતાં હતા મંદ અવાજે એકબીજાને અભિવાદન કરતાં તે એક આલિંગન કે મજબૂત હસ્તધૂનનથી ગાયબ થઈ જાય છે. એકબીજાને હાથ મિલાવી અથવા આલિંગન કરી આટલા સમયની દૂરતા હું દૂર કરી દઉં છું. એ પછી મન ખોલીને વાતો થાય. પંચાત કરવી મારી લાક્ષણિકતા નથી પણ ભાઈબંધ બોલતો હોય તો એને સાંભળવામાં મન પરોવાય.

 

એમ બધા કહેતા હોય છે મિત્રો આગળ મન ખોલી શકાય પણ મોટા ભાગના કિસ્સાઓમાં એ બાબત વાર્તાલાપ સુધી જ સીમિત રહી જાય છે. કેટલા લોકો તેમના મિત્રોને મળે ત્યારે ભેટે છે? દુખમાં, નિરાશામાં મિત્રને સહારો આપવા ગળે લગાવે છે? છતાં, પુરુષો એવું ટાળે છે. બધાને ક્યારેક એક આલિંગનની, મિત્રના ટેકાની જરૂર હોય છે પણ જાહેર કરી નથી શકતા. સ્ત્રીઓમાં એવું નથી હોતું, છોકરીઓ તેમની બેનપણીનું નાની નાની વાતમાં ધ્યાન રાખે. હળવો તાવ આવ્યો હોય તો તેમની કેર કરે, ધ્યાન રાખે. ઘરે જઈને આરામ કરજે’, ‘આજ બહુ કામ ના કરતી’, ‘મમ્મીને કહેજે માથે બામ લગાવી આપે’, ‘ઘરે પહોંચીને મને કોલ કર. આવું બધુ કહી છોકરીઓ મૈત્રી નિભાવતી હોય છે. જો તમને આવું કહેવાવાળા સારા મિત્રો મળ્યા હોય તો પોતાને નશીબદાર માનજો. કોઈવાર તમે તમારા મિત્રને કહ્યું છે યાર તારી બહુ યાદ આવે છે...’ ‘આઈ લવ યુ’, ‘સારું છે તું મારી લાઈફમાં છે. આ શબ્દો કદાચ સામાન્ય લાગી શકે છે પણ સામી વ્યક્તિને ખાસ ફિલ કરાવે છે. તમારા માટે એનું મહત્વ કેટલું છે, તમે એ માણસને કેટલો માણો છો, તેને ઉત્સવો છો તે પ્રતીત કરે છે. ફક્ત, તમારી પ્રિયવ્યક્તિ કે પતિ અથવા પત્નીને જ નહીં પણ મિત્રોને પણ આઈ લવ યુ કહેતા રહેવું જોઈએ, તેની યાદ આવે છે એ જણાવતા રહેવું જોઈએ. તેને સારું લગાડવા કે કહેવા ખાતર નહીં પણ દિલથી. ઘણીવાર મિત્રોની યાદ આવી જતી હોય છે. ઓફિસમાં બેઠા હોય અને કામના કારણે માથું ચકરાવે ચઢ્યું હોય ત્યારે, ભણતા ભણતા થાક લાગી જાય ત્યારે કે અમસ્તા પણ એમની કમી લાગે ત્યારે ભાઈબંધ કે બેનપણી યાદ આવી જાય છે. ‘Wish you were here’ આ વાક્યમાં ઘણો સ્નેહ છુપાયો છે. ખાલી પ્રેમી/પ્રેમિકા, પતિ-પત્ની સુધી જ આ વાક્ય સીમિત નથી. કોઈપણ સંબંધમાં કે કોઈપણ વ્યકતી માટે વાપરી શકાય. તમારા મિત્રોને એવું કહેવાથી તમે ગે નથી થઈ જતાં. એમાં કઈ ખોટું નથી અને જો કોઈ વ્યક્તિ તમને એવું માને તો તે દયાને પાત્ર છે. ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તેમને સંવેદનશીલ બનાવે. બાકી, લાગણીઓ મનમાં દાબી રાખી પરાણે જીવતા એ મનુષ્યો ક્યારે અરધી રાતે પંખે ઝૂલતા જોવા મળે અથવા ઉંદર મારવાની ગોળી ખાઈ તરફડતા જોવા મળે એ કળવું મુશ્કેલ છે. કાં તો હાર્ટ અટેક પણ આવી શકે છે. તમારા સ્વજનો, મિત્રો પ્રત્યે સંવેદનશીલ બની જવાથી તમે ગે નથી થઈ જતાં અને ગે હોવાથી જ સંવેદનશીલ હોવું એ વાતમાં યોગ્ય તર્ક નથી.

 

આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરની કથા દર્શાવામાં આવી છે. Bisexual અને ટ્રાન્સ બંને અલગ છે, ગે અને લેસ્બિયન પણ અલગ બાબત છે. વધુ પાકો ખ્યાલ મેળવવા ઇન્ટરનેટનો સહારો લઈ લેજો. ૬૦ અને ૭૦ના દશકમાં અમેરિકામાં LGBT પરેડ યોજાઇ હતી. જેમાં હજારોની સંખ્યામાં સમલૈંગિક, bisexual અને transgender જાતિયતા ધરાવતા લોકો એકત્ર થયા અને સરકાર-સમાજ સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો કે તેઓ પણ સામાન્ય માણસ છે, તેમની જાતિયતાની પસંદગી કુદરત નિર્મિત છે. તેમની પ્રકૃતિ તેમના રંગસૂત્રોની નિયતિ છે આપણી જેમ જ. તેમની જાતિયતા કોઈ મનોરોગ નથી. કે કોઈ પ્રકારની વિચિત્ર વિકૃતિ નથી. આ પરેડે એક પ્રકારની ક્રાંતિ ફેલાવી. દુનિયાના અન્ય દેશોમાં પણ LGBT લોકો પોતાની જાતિયતા જાહેર કરવા લાગ્યા. ત્યારથી વિરોધ પ્રદર્શન ચાલતા આવ્યા છે. પહેલા જો તે લોકો પકડાતાં તો ગુનો લાગુ કરી જેલમાં નાખી દેવામાં આવતા. ૧૯૬૨માં અમેરિકાએ LGBT માટે કાયદો ઘડ્યો. ૫૬ વર્ષ લાગ્યા દુનિયાની સૌથી મોટી લોકશાહીને LGBTને કાયદેસર બનાવતા. ને એ પછી ૨૦૧૮માં ભારતમાં પણ કલમ ૩૭૭ લાગુ થઈ. જેના હેઠળ LGBT જાતિયતાને કાયદેસર ગણવામાં આવી. આ તો થઈ કાયદાકીય વાત. LGBTને ગેરકાયદેસર ગણાવાને કારણે કેટલા બધા નકારાત્મક પરિણામો આવ્યા છે, તે વિચાર માત્ર જ અકલ્પનીય છે. કેટલું હ્યૂમન ટ્રાફિકિંગ થાય છે એ કોઈને ખબર નથી પણ જ્યારે સમાચાર સાંભળવામાં આવે ત્યારે પ્રમાણ બે અથવા ત્રણ આંકડાનું હોય છે. ડાર્ક વેબ પર રીતસરના બાળકોના સોદા થતાં હોય છે. તે બાળકોનો ઉપયોગ પુખ્ત વયના લોકો સમલૈંગિક સેક્સ માટે કરતાં હોય છે. તેમના પોર્ન વિડીયો બનાવી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવે છે. દેહવેપાર બાદ સૌથી વધારે હ્યૂમન ટ્રાફિકિંગ LGBT જાતિયતાના લીધે કરવામાં આવતું હોય છે. તેનું પ્રમાણ એટલા માટે વધારે છે કારણ હમણાં સુધી સમલૈંગિકતા અને અન્ય વિશેષ જાતિઓ વચ્ચેનો સંબંધ ગેરકાયદેસર ગણાતો હતો. કાયદા અને સરકાર વખતે-વખતે યોગ્યના પડખે ઊભા રહ્યા છે પણ સમાજ હજુ પણ એ જ તરંગી ખોટા મૂલ્યોને વળગી રહ્યો છે. જેમને તેઓ વિકૃત કહી રહ્યા છે, તે લોકો પોતાનો ઇતિહાસ ઉઠાવીને જોઈ શકે છે. રામાયણમાં ઇલા નામનું પાત્ર આવે છે. જે ટ્રાન્સજેન્ડર હોય છે. જો એ સમયે ભગવાને પણ તેનો સ્વીકાર કર્યો હોય તો આપણે કેમ નહીં? મુઘલકાળમાં કેટલા સુલતાન થઈ ગયા, જે પુરુષો સાથે સંભોગ માણતા હતા. ફ્રાંસના રાજાઓ, અમેરિકાના રાજનેતાઓ, ગવર્નર્સ, સેનેટર્સ, સાંસદ સભ્યો, અરબી માલેતુજારો કેટલા બધા ઉદાહરણો છે જે LGBT જાતિયતા ધરાવતા લોકો છે. તો પણ કેટલાક તેને બીમારી કહી નાખતા હોય છે. મુઘલકાળમાં જ્યારે રાજા સૈન્ય સાથે યુદ્ધ પર જતાં, ત્યારે કેટલીક રાણીઓ અને દાસીઓ પોતાની શારીરિક ઈચ્છાઓ પરસ્પર દેહથી પૂરી કરતી. પછી થવા એવું લાગ્યું ઘણા કિસ્સાઓમાં રાણીઓ તેમના વર સાથે પણ સંભોગ માણતી અને દાસીઓ સાથે પણ. આ પ્રકારની જાતિયતાને ત્યારે કશું નામ અપાયું હોય એ મારી જાણમાં નથી પણ હાલમાં તેને bisexuality તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદાહરણો જે મેં ટાંકયા એ વાંચીને મૂક્યા છે. કઈ હવામાં વાત નથી કરતો. વ્યક્તિગત ચકાસણી માટે ચોક્કસ ગૂગલ પર જોઈ શકો છો.

 

કહેવાનો અર્થ એટલો જ કે આ બધુ વર્ષોથી ચાલતું આવ્યું છે. તમે જાતિયતાને મનોરોગ કે વિકૃતિ ન કહી શકો. વિજ્ઞાન પાસે સાબિતી છે જાતિયતા માણસના રંગસૂત્રથી નક્કી થાય છે નહીં કે મનથી. ચંદીગઢ કરે આશિકીફિલ્મની સમીક્ષામાં આ મુદ્દા પર મારે વિસ્તૃત એટલા માટે લખવું પડ્યું કારણ આ વિષય ગૂઢ છે. અસામાન્ય જેવો છે. હું બેચલર્સમાં ભણતો હતો ત્યારે એક દિવસ L.R.માં પ્રોફેસર સાહેબે ક્લાસના તમામ છોકરાઓને પૂછ્યું. જો તમને છોકરી તરીકે જીવન જીવવા મળે તો તમને કેવું લાગશે? આવતી કાલે ઉઠો અને તમે એક છોકરી હોવ તો કેવું લાગે?’ ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો. કોઈ કઈ બોલ્યું નહીં, હું છેલ્લી પાટલી પર બેઠો હતો. ચૂપચાપ સાંભળી રહ્યો હતો. કોઈ પ્રતિઉત્તર ન આવતા પ્રોફેસર સાહેબે સવાલ બદલ્યો: તમારામાંથી કોને છોકરી બનવાથી વાંધો નથી. કોઈનો કઈ જવાબ નહીં. ક્લાસની બધી છોકરીઓ ગંભીર મુદ્રામાં અમને જોઈ રહી હતી. મેં મારો હાથ ઊંચો કર્યો. સાહેબે મારી સામે જોયું. મારા મિત્રો હસવા લાગ્યા. તેમને લાગ્યું ક્લાસમાં મસ્તી કરવા મેં હાથ ઊંચો કર્યો હશે. પણ એવું ન હતું. પ્રોફેસર સાહેબે સમજાવ્યું કે આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં ૯૯ ટકા પુરુષો પોતાના પુરુષત્વને મૂકી શકતા નથી. ધારી શકતા પણ નથી. ને ભલે તે પ્રજનન કરવા માટે અસમર્થ હોય પણ મરદાનગીનું, પુરુષત્વનું શૂરાતન જતું નથી. છોકરીઓ આ તમારું અપમાન છે. તમારી સાથે ભણતા છોકરાઓ તમારી જાતિ તરીકે રહેવા રાજી નથી થતાં. મને પછી સાહેબે પૂછ્યું તે કેમ હાથ ઊંચો કર્યો? મેં કહ્યું હું છોકરો હોવ કે છોકરી એનાથી મારી લાઈફના મૂલ્યો કે લક્ષ્યમાં કઈ ફરક પડવાનો નથી. સામાન્યત: મારે જે કરવાનું છે એ કરવાનું જ છે. એમાં કઈ ફેર નથી પડવાનો. એ દિવસથી સાહેબ મને કહેતા કે તું આગળની પાટલીએ બેસ પણ હું મિત્રોની સંગત છોડી ન શક્યો.

 

એ દિવસથી મને પ્રશ્ન થયો કે હું જે જગ્યાએ છું ત્યાં બધા બુદ્ધિમાન લોકો આવે છે. કોઈ આર્ટિસ્ટ છે, કોઈ સાઇન્ટિસ્ટ છે, કોઈ ગજબના બીજનેસમેન છે, અહીંથી ભણેલા લોકો મોટા કીર્તિમાન થાય છે તો પછી કેમ આવી જગ્યામાં કોઇની માનસિકતા જાતિયતાને લઈને અયોગ્ય હોય? હું અમદાવાદની એક સારી ખ્યાતનામ કોલેજમાં ભણ્યો હતો. એવું નહીં કે અંતરિયાળ ગામડા પાસેની કોઈ કોલેજમાં હતો. મારી કોલેજ ભારતમાં ટોપ ટેનમાં આવે છે. અહીં અમિર અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો ભણવા આવતા, બ્હારના દેશ અને રાજ્યમાંથી લોકો ભણવા આવતા. આવી કોલેજમાં મને ભણવાનું સૌભાગ્ય મળ્યું. કોલેજ બાદ સમાજમાં જોયું બધી જગ્યાએ આ જ હાલ છે. ત્યારે સમજાયું જગ્યામાં કઈ ખોટું નથી, લોકોમાં કઈક છે. થોડા સમય પહેલા ઓનલાઈન દિલ્હીથી એક વક્તાને સાંભળ્યા. તેમની બોલવાની છટા અને સ્પીચ કોમળ અને આકર્ષક લાગી. તેમણે LGBT પર વક્તવ્ય આપ્યું જેમાં LGBTને બીમારી અને અધોગતિ કહી નાખ્યું. તે મેડમના વિડિયોઝને ઘણી મોટી સંખ્યામાં લોકો જોતાં હતા. લોકોને ખોટો સંદેશ જઈ રહ્યો હતો. તે મેડમ ફ્લો ફ્લોમાં ન બોલવાનું બોલી ગયા. જો આવા લોકો સમાજને અયોગ્ય સંદેશ પૂરો પાડશે તો ઘણી રીતે આપણે જોખમમાં છીએ. ચંદીગઢ કરે આશિકી ફિલ્મ આવી ભ્રમણાઓ દૂર કરે છે.

 

સોશ્યલ મીડિયા પર અન્ય વિવેચકોની આ ફિલ્મ અંગેની સમીક્ષા વાંચી એક-બે જણે એવું કહ્યું કે ફિલ્મમાં હજુ કઈક કરી શકાયું હોત. ફિલ્મ એવરેજ પ્રકારની લાગી. મારા મત મુજબ ફિલ્મ પરિપૂર્ણ જ છે. ફિલ્મનું વિષયવસ્તુ સંવેદનશીલ છે. દર્શકને ફિલ્મનો વિષય સમજવા મગજ કસવું પડે એમ છે. બધા એટલા બધા જાણકાર નથી થઈ ગયા કે આવો કોન્સેપ્ટ તરત ગ્રહણ કરી શકે. હા, પણ ફિલ્મમાં ટ્રાન્સ સાથે bisexual અને lesbian શ્રેણી અંગે પણ કઈક ઉમેરી શકાયું હોત. આ ફિલ્મ પહેલા આયુષ્માન ખુરાનાએ ગે શ્રેણી પર ફિલ્મ બનાવી હતી, હવે ટ્રાન્સ પર બનાવી. આવી રીતે આપડે કેટ-કેટલી ફિલ્મો જોયા કરવી? શું એક જ ફિલ્મમાં તમામ અન્ય જાતિ ન આવરી લેવાય? પણ બીજી બાજુ એમ પણ થાય છે કે નહીં નિર્દેશકે જેમ ફિલ્મ બનાવી એ બરાબર છે. આ ફિલ્મના પ્રકારને સ્વીકારતા લોકોને વાર લાગી શકે છે. એક જ વખતમાં બધી જાતિનું ભેગું કરવાથી દર્શક વધુ મૂંઝવણમાં મુકાઇ શકે છે. તો મને ઉમેરવા જેવુ કઈ લાગતું નથી.

 

આ એક મસાલા ફિલ્મ છે, સારો સંદેશ પૂરો પાડે છે. દરેક પાત્રનો અભિનય શ્રેષ્ઠ છે. તમે નાયક અને નાયિકાની વચ્ચે કેમિસ્ટ્રી જોઈ શકશો. તેમની વચ્ચે પ્રેમ દેખાય છે. ૨૧મી સદીનું યુગલ કેવું હોય? તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મનુ અને માનવી પૂરું પાડે છે. તે બંને એકબીજાને જોઈ રહ્યા હોય ત્યારે સ્ક્રીન પર અલગ જ ઉર્જા દેખાઈ આવે છે. બોલીવુડએ કબીર સિંગ બાદ આ બીજું એવું મૂવી આપ્યું છે જેમાં નાયક નાયિકા આપણને કન્વીન્સિંગ રીઅલ લાઈફ કપલ લાગી શકે. ફિલ્મ એક રીતે વન ટાઈમ વોચ લાગી શકે છે પણ જો શીખવાની અને જાણવાની દ્રષ્ટિથી જોશો તો જરૂર બીજી કે ત્રીજીવર જોતાં અલગ દ્રષ્ટાંત મળી શકે છે. જો તમારે માણસોને સમજવા અને જાણવામાં રુચિ હોય તો આ ફિલ્મ જરૂર એકવાર જોવી જોઈએ. નાયિકાનું પાત્ર પ્રેરણાદાયી છે. તો જરૂર પ્રેરણાની શોધમાં હોવ તો આ ફિલ્મ સારી છે. આ ફિલ્મ નેટફ્લિક્ષ પર ઉપલબ્ધ છે.

હું ઓવર ઓલ ૭.૫/૧૦ સ્ટાર આપું છું આ ફિલ્મને.

 



-કીર્તિદેવ

Comments